નડિયાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન યોજાયું - સદસ્યતા અભિયાન
ખેડા: શહેરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાન અંતર્ગત કલાકારો તેમજ સંગીત, સાહિત્ય અને રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો ભાજપમાં જોડાયા હતા. ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત જિલ્લા ભાજપ કાર્યાલય નડિયાદ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લાના કલાકાર મુકુંદભાઈ પટેલ, લોકગાયક અવિનાશ બારોટ, મહેશ રબારી, પારૂલબેન બારોટ, રંજનબેન બારોટ સહીત ૮૬ કલાકારોને ભાજપમાં જોડવામાં આવ્યા હતા. આ સાથે સાહિત્ય ક્ષેત્રે હાર્દિક યાજ્ઞિક, રમતગમત ક્ષેત્રે સ્વિમિંગ માસ્ટર સ્નેહલભાઈ શાહ, રાજ્ય ક્રિકેટ પ્લેયર જ્હાનવીબેન પટેલ, નેશનલ બાસ્કેટબોલ પ્લેયર આચલબેન વાઘેલા, સ્ટેટ જુદો ચેમ્પિયન નીરવભાઈ પટેલ સહીત ૨૦ રમતવીરો જોડાયા હતા. આ ઉપરાંત નડિયાદના ૨૫ વેપારીઓ તથા ૩૫ વકીલોએ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના હસ્તે કેસરિયો ખેશ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન ઇન્ચાર્જ સહીત પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.