ધરમપુર મામલતદાર કચેરીએ જમીન વિવાદને લઇ મંડળીના સભ્યો ધરણા ઉપર - વલસાડ ન્યૂઝ
વલસાડઃ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ધરમપુરમાં સહકારી મંડળીઓ કાર્યરત છે અને તેમના દ્વારા અનેક વિકાસલક્ષી કામો કરવામાં આવે છે, ત્યારે આવી જ એક મંડળી છેલ્લા 35 વર્ષથી ખરીદેલી જમીન પોતાના નામે કરાવી શકતી નથી કારણ કે, જે જમીનદાર પાસે તેમણે જમીન ખરીદી હતી તે જ માલિકે આ જમીન અન્યને આપી દીધી હતી. હવે આ જમીન મંડળીના નામે થઇ શકતી નથી. જેથી મંડળીના તમામ સભ્યો રસ્તા પર ઉતર્યા છે અને આ હક મેળવવા માટે એક રેલી યોજીને ધરમપુર મામલતદાર કચેરી ખાતે ધરણા કાર્યક્રમ શરૂ કર્યો હતો. જેને લઇને હાલ સરકારી તંત્ર દોડતું થયું છે અને મંડળીના સભ્યોની માગ છે કે, આ તમામ વિવાદમાં વચ્ચેનો રસ્તો શોધી છેતરપીંડિ કરનારા સામે કાર્યવાહી થાય અને મંડળીની જમીન મંડળીના નામે કરવામાં આવે નહીં તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.