ગોંડલ-જેતપુરના પ્રાંત અધિકારી દ્વારા મીટિંગમાં લેવાયો નિર્ણય, વેપારીઓ કરશે હોમ ડિલિવરી...
રાજકોટઃ જિલ્લાના ગોંડલ અને જેતપુર પ્રાંત અધિકારી રાજેશ આલ દ્વારા લોકોને જીવન જરૂરિયાતની ચીજો કરિયાણા, શાકભાજી, દૂધ જેવી વસ્તુઓને લઇ પ્રાંત કચેરી ખાતે તાકીદની મીટિંગ બોલાવવામાં આવી હતી અને તેમાં કડક શબ્દોમાં જણાવાયું હતું કે, તમામ વેપારીઓએ ફરજિયાત પણે ચીજ વસ્તુઓની હોમ ડિલિવરી કરવાની રહેશે. આ માટે તંત્ર દ્વારા વેપારીઓને પાસ આપવામાં આવશે અને પાસ મેળવવા માટે મામલતદાર કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. લોકોને જીવન જરૂરિયાતની ચીજોના ઉત્પાદક જેવાકે ઘઉં વીણાટ, દાળ કઠોળ સોલટિંગ કે ઓઇલ મિલ ચાલુ રાખી શકશે પરંતુ તેઓએ પણ હોમ ડિલિવરીને પ્રાધાન્ય આપવાનું રહેશે. મિટિંગમાં એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર રાણા સીટી પોલીસ ઇન્સ્પેક્ટર રામાનુજ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં વેપારીઓને ખાસ સુચના આપી હતી કે, તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની લેવડ દેવડ દુકાન પર કરી શકશો નહીં. માત્ર Home Delivery જ કરવાની રહેશે. તેમાં કોઈપણ જાતની ચૂક ચલાવી લેવામાં આવશે નહીં અન્યથા પોલીસ કડક કાર્યવાહી કરવામાં જરા પણ કચાસ રાખશે નહીં. હોલસેલના વેપારીઓએ નાના દુકાનદારોને ડીલીવરી આપવાની રહેશે તેના માટે વાહનોના પાસ ઇસ્યુ કરાશે.