જનજીવન સામાન્ય થઈ રહ્યું છે: રાજકોટમાં રવિવારે પણ બજારો ધમધમી
રાજકોટ: કોરોના વાયરસની મહામારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન 4 માં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. જેને લઈને રાજકોટમાં પણ એકી અને બેકી સંખ્યા દુકાનો ખુલ્લી રાખવા માટેની મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે રવિવારે બેકી એટલે કે, જે દુકાનો બહાર 2 નંબરનું સ્ટીકર લગાવામાં આવ્યું છે, તે દુકાનો ખુલ્લી રાખી શકશે તેવી જાહેરાત મનપા દ્વારા કરવામાં આવતા રવિવારના દિવસે પણ રાજકોટની મોટાભાગની બજારો ખુલ્લી જોવા મળી હતી. રાજકોટના યાજ્ઞિક રોડ, લીમડા ચોક, કેનાન રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતના વિસ્તારોમાં દુકાનો ખુલ્લી રહેતા લોકો પણ બહાર જોવા મળ્યા હતા. સામાન્ય દિવસોમાં રાજકોટમાં રવિવારે બજારો બંધ જોવા મળે છે. પરંતુ લોકડાઉનને પગલે હાલ રાજકોટમાં રવિવારે પણ બજારો ખુલ્લી જોવા મળી હતી.