શાળાએ જતી વિદ્યાર્થીની છેડતી કરનાર રીક્ષા ચાલકને લોકોએ મેથીપાક આપ્યો - રીક્ષા ચાલક
વલસાડ : જિલ્લાના તિથલ રોડ પર સ્કૂલ જતી બાળકીની છેડતી કરનાર રીક્ષા ચાલકની સ્થાનિક લોકોએ પકડી મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો હતો.ઘટના અંગે બાળકીના વાલીના જણાવ્યા મુજબ, વલસાડના તિથિલરોડ સ્થિત એક શાળામાં તેમની બાળકી અભ્યાસ કરતી હતી, જ્યાં એક રીક્ષા ચાલક છેલ્લા ઘણા સમયથી તેનો પીછો કરી તેને હેરાન પરેશાન કરતો હતો. જેની ફરિયાદ બાળકીએ તેના પરિવારજનો પાસે કરી હતી. ત્યારે શુક્રવારના રોજ બાળકીના વાલીએ રીક્ષા ચાલકને રંગેહાથ પકડવા વોચ ગોઠવી હતી. શાળાના છૂટવાના સમયે આ રીક્ષા ચાલક બાળકીને રીક્ષામાં બેસી જા આપડે તિથલ ફરીને આવી જશું કહી બાળકીની છેડતી કરતો જોવા મળ્યો હતો. તે દરમિયાન બાળકીના વાલી તથા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને રીક્ષા ચાલકને પકડી મેથીપાક આપ્યો હતો. તો આ સાથે જ તેને પોલીસ હવાલે પણ કર્યો હતો.જ્યાં પોલીસે બાળકીના વાલીઓની ફરિયાદ લઈ આગળની તજવીજ હાથધરી છે.