માંડવી પોલીસ દ્વારા એક યુવાનને માર મારવાના મામલે વિવાદ સર્જાયો
સુરત: જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાદી ગામે આર્ટ્સ અને કોમર્સ કોલેજના છેલ્લા વર્ષના M.Aના વિદ્યાર્થીને પોલીસે ઢોર માર મારતા બારડોલી સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાનને પોલીસે ખોટા કેસમાં ફસાવી માર માર્યો હોવાનું જણાવ્યું હતું. ગુરુવારે રાત્રે દારૂની ખેપ મારવાનો આરોપ મૂકી માંડવી પોલીસ ગોદાવાડી ગામના ચાર રસ્તા પાસેથી ખાનગી કારમાં આવી ઉપાડી ગઈ હતી. દરમિયાન શુક્રવારે સવારે પરિવારને જાણ થતાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. તાલુકા પંચાયતના સભ્ય શંકરભાઈ ચૌધરી સાથે પરિવાર પોલીસ સ્ટેશન જતા આકાશ કૌશિક ભાઈ હળપતિ પોલીસ સ્ટેશનમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. સમગ્ર કામગીરી અંગે પોલીસના જણાવ્યા પ્રમાણે ગોદાવાડીનો આ આકાશ નામના યુવાનને પોલીસે તેમના ગામેથી 686 વિદેશી દારૂની બોટલ જેની કિમત રૂપિયા 39 હજાર તેમજ એક મોટર સાઇકલ સાથે પકડી લીધો હતો. તેમજ મુખ્ય સૂત્રધાર સુરજ નામના ઈસમનું નામ બહાર આવ્યું હતું. અને એ જ આ યુવાનોને એક ખેપ મારવાના 100 રૂપિયા કમિશન આપી કામ કરાવતો હતો.