વડોદરામાં મંદિરના પ્રાંગણમાં જ નીકળ્યો ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો
વડોદરાઃ શહેરના પૌરાણિક વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો 211 વર્ષથી પરંપરાગત રીતે જાહેર માર્ગો પર નીકળતો હોય છે. પરંતુ કોરોના મહામારીને કારણે બીજી વખત મંદિરના પ્રાંગણમાં જ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. મર્યાદિત સંખ્યામાં ભાવિક ભક્તોને હાજર રાખી નાના રથમાં ભગવાન વિઠ્ઠલનાથજીને બિરાજમાન કરી મંદિરના પ્રાંગણમાં જ રથ ફેરવવામાં આવ્યો હતો. દેવપોઢી અગિયારસના દિવસે વડોદરામાં કોરોનાના 29 કેસ હતા. જેથી વરઘોડાની પરવાનગી રદ કરવામાં આવી હતી. તે સમયે પણ મંદિરના પ્રાંગણમાં જ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. એ જ રીતે આ વખતે આજે દેવ ઉઠી અગિયારસના દિવસે પણ વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો મંદિરના પ્રાંગણમાં જ કાઢીને તુલસી વિવાહનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.