મીની ડાકોર તરીકે જાણીતું કુડસદના રણછોડરાય મંદિર વિશે... - સુરત સમાચાર
સુરતઃ જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામનું એક એવું મંદિર જેને મીની ડાકોર કહેવામાં આવે છે. ગામના વડીલોના જણાવ્યા અનુસાર 250 વર્ષો પૂર્વે વિધર્મી લોકો દેશના મંદિરોની તોડફોડ કરી લૂંટ ચલતાવતા હતા. ત્યારે હિંદુ સંસ્કૃતિની દેશમાં દાઝ ધરાવનાર વણઝારા જ્ઞાતિના લોકો રાતોરાત દ્વારકા પ્રદેશથી ભાગી આવી કુડસદ ગામે પોતાની સાથે શ્રી રણછોડ રાયની મૂર્તિ છુપાવીને લાવ્યા હતા. તે મૂર્તિને રાતોરાત કૂવો બનાવી કાળવનું આસન બનાવી મૂર્તિને પધરાવી તેની પૂજા-વિધિ કરી હતી. વણઝારાઓએ ત્રણ દિવસ પછી મૂર્તિને લઈ આગળ જવા રવાના થયા ત્યારે સ્થાપિત કરેલી જગ્યા પરથી મૂર્તિને તેઓ ઉઠાવી શક્યા નહોતા. તેથી તેઓ આ જગ્યા પર જ મૂર્તિ સ્થાપિત કરી રવાના થઈ ગયા. ત્યારથી લઈને આજ સુધી મૂર્તિ અહીં સ્થાપિત છે. હજારો લોકો પોતાની મનોકામના લઈને આવે છે અને મંદિરમાં બિરાજેલા રણછોડ ભગવાન તેમની મનોકામનાઓ પૂરી કરે છે. પૂનમના દિવસે અહીં હજારો ભક્તો મંદિરના દર્શન અર્થે આવે છે.