ખેડાની કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ - Election latest news
ખેડા : જિલ્લાની કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કપડવંજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખનો વિજય થતા કોંગ્રેસે સત્તા જાળવી રાખી હતી. કપડવંજ તાલુકા પંચાયતની કુલ 26માંથી 16 મત મળતા કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાયા હતા. જેમાં અપક્ષ અને NCP દ્વારા કોંગ્રેસને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ભાજપને 10 મત મળ્યા હતા. જેમાં પ્રમુખ તરીકે મંગુબેન મહેન્દ્રભાઈ ઝાલા તેમજ ઉપપ્રમુખ તરીકે નવનીતસિંહ દિલીપસિંહ ચૌહાણ ચૂંટાયા હતા.જ્યારે કઠલાલ તાલુકા પંચાયતમાં 23 માંથી એક મહિલા સભ્ય ગેરહાજર રહેતા ભાજપ અને કોંગ્રેસને 11-11 મત મળતા ટાઈ થઈ હતી. જેને લઈ ચિઠ્ઠી ઉછાળી પ્રમુખ અને ઉપપ્રમુખનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં પ્રમુખપદે ભાજપના ગોવિંદભાઈ પરમાર અને ઉપપ્રમુખ પદે કોંગ્રેસના બુધાભાઈ પરમારને જાહેર કરવામાં આવ્યા હતા.