ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ - Mahudha
નડિયાદઃ ખેડા જિલ્લાની મહુધા, મહેમદાવાદ, ખેડા, ડાકોર અને ચકલાસી નગરપાલિકામાં અઢી વર્ષની ટર્મ પૂરી થતાં ગુરૂવારના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપ શાસિત આ પાંચ પાલિકામાંઓમાંથી ત્રણ પાલિકા ભાજપ દ્વારા ગુમાવી દેવામાં આવી છે. જેમાં છેલ્લા 20 વર્ષથી ભાજપ પાસે રહેલી મહુધા નગરપાલિકા આંચકી લેવામાં કોંગ્રેસ સફળ રહી છે. મહુધા નગરપાલિકામાં કોંગ્રેસના મિનાજબાનુ મલેકે ભાજપના વિધિબેન પટેલને હરાવી વિજય મેળવ્યો હતો. મીનાજબાનુને 13 મત મળ્યા હતા, ત્યારે વિધિબેનને 10 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના શાહિદ ખાન પઠાણ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. પ્રમુખ તરીકે અપક્ષ સભ્ય મયુરીબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે ભાજપના કલ્પેશભાઈ ભટ્ટ બિનહરીફ જાહેર થયા હતા. ખેડા નગરપાલિકામાં પ્રમુખ તરીકે અપક્ષ પ્રિયંકાબેન સોલંકી અને ઉપપ્રમુખ તરીકે ભાજપના ભાનુમતીબેન વાઘેલા ચૂંટાયા છે. જ્યારે મહેમદાવાદ અને ચકલાસી નગરપાલિકામાં ભાજપ દ્વારા સત્તા જાળવી રાખવામાં આવી છે. જેમાં મહેમદાવાદમાં પ્રમુખ તરીકે શીલાબેન વ્યાસ અને ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન વાઘેલા ચૂંટાયા છે. જ્યારે ચકલાસી નગરપાલિકા માં સંગીતાબેન.આઈ.વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે રાજેશભાઈ વાઘેલા ચૂંટાઈ આવ્યા છે.