મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક વધી, ડેમના 14 ગેટ ખોલી 4,20,938 ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું - મહી નદી
મહીસાગર: ઉપરવાસમાં થઈ રહેલા સતત વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે. જેના કારણે કડાણા ડેમના 14 ગેટ 18 ફૂટ ખોલી ડેમમાંથી 4,20,938 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવતા નદી ગાંડી તુર બની છે. મહી નદી પર આવેલા હાડોળ પુલ, ઘોડીયાર પુલ તેમજ આંત્રોલી પુલ પાણીમાં ગરકાવ થતા રસ્તા બંધ કરવામાં આવ્યા છે. ત્યારે જિલ્લા કલેકટર આર. બી. બારડે મહી નદી પર આવેલા હાડોળ બ્રિજની મુલાકાત લીધી હતી. ત્યારે મહી બજાજ ડેમમાંથી 2,68,164 ક્યુસેક પાણીની આવક થતા કડાણા ડેમના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે. જેથી કડાણા ડેમનું રુલ લેવલ 416 જાળવી રાખવા કડાણા ડેમના 14 ગેટ 18 ફૂટ ખોલવામાં આવ્યા હતા. મહી નદીના કિનારે નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.