કેશોદ તાલુકાનો ઘેડપંથક જળબંબાકાર, ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ
જૂનાગઢઃ કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોના ખેતરોમાં મોટાપાયે ધોવાણ સાથે ખેત પેદાશો નિષ્ફળ જવાની દહેશતથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ઘેડપંથકમાં દર વર્ષે વરસાદી પાણી લાંબો સમય સુધી ખેતરોમાં સતત ભરાયેલા રહેતા હોવાથી ખેતપેદાશો નિષ્ફળ થાય છે અને ખેડૂતોએ વાવેતર કરેલા ખેતપેદાશોનું ખાતર, બિયારણ મજૂરી સહીતની આર્થિક નુકસાની વેઠી રહ્યા છે, સાથે ખેતરોમાં ધોવાણ થતાં ખેતરોમાં પણ દર વર્ષે નુકસાન થાય છે. હાલમાં ચાર-પાંચ દિવસથી મેઘરાજાની અવિરત મેઘસવારી સાથે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ટીલોળી, સાબરી ઓઝત સહીતની નદીઓના પાણી આવતા કેશોદ તાલુકાના પંચાળા, બાલાગામ, બામણાસા, અખોદર, ખમીદાણા, સરોડ, પાડોદર, ઈસરા સહીતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ઘેડ પંથક બેટમાં ફેરવાયો હોવાના દ્રશ્યો જોવા મળે છે. જેના કારણે ખેડૂતોએ વાવેતર કરેલી હજારો વિઘાની મગફળીમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા. ખેતરોમાં થયેલી નુકસાની અથવા તો અથવા પાક વીમાની સહાય આપવામા આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.