જન્માષ્ટમી પર્વ નિમિત્તે યાત્રાધામ ડાકોર બન્યુ કૃષ્ણમય
ખેડાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને ખેડા જીલ્લાની કૃષ્ણનગરી ડાકોરમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું છે. 'નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી'ના નાદથી ડાકોર નગરી ગૂંજી ઉઠી છે. શ્રીકૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે આજે ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરે દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. વહેલી સવારે રાજાધિરાજ રણછોડરાયજી મહારાજની મંગળા આરતી સાથે જ દર્શન શરૂ થયા છે. ભાવિકો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લઇ રહ્યા છે. જન્માષ્ટમી પર્વને લઈને બે દિવસથી મંદિરને રંગબેરંગી લાઇટિંગ સહીત શણગારવામાં આવ્યું છે. રાત્રીના ૧૨ કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવ થશે. તે સાથે કિંમતી આભૂષણો પહેરાવવામાં આવશે અને મુગટ ધરાવવામાં આવશે. તેમજ ગોપાલલાલજી મહારાજને સોનાના પારણાંમાં ઝુલાવવામાં આવશે.