અમદાવાદમાં રાજ્યના કેબિનેટ પ્રધાન પ્રદિપ પરમારે યોજી જનઆશીર્વાદ યાત્રા, સોશિયલ ડિસ્ટન્સના ભંગ અંગે પૂછતા જ પ્રધાનની બોલતી થઈ બંધ
અમદાવાદમાં જમાલપુરથી લઈ મેઘાણીનગર સુધી કેબિનેટ પ્રધાન પ્રદિપ પરમારની જનઆશીર્વાદ યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં 1,000થી વધુ લોકો જોડાયા હતા. જોકે, તમામ લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનો આગ્રહ કરતી સરકારના નેતાઓ જ માસ્ક વગર જોવા મળ્યા હતા. આ યાત્રામાં કેબિનેટ પ્રધાન પોતે અને યાત્રામાં જોડાયેલા મોટા ભાગના કાર્યકર્તાઓ પણ માસ્ક વગર જોવા મળ્યા હતા. એટલે કે આ યાત્રા લોકો માટે ઓછી અને કોરોનાને આમંત્રણ આપવા યોજાઈ હોય તેવું લાગી રહ્યું હતું. સામાન્ય વ્યક્તિ માસ્ક વગર જોવા મળે તો તેને તરત જ દંડ ફટકારવામાં આવે છે. ત્યારે રાજ્યના પ્રધાનો જ આવી રીતે ખૂલ્લેઆમ કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરીને યાત્રાઓ યોજે છે. ઉલ્લેખનીય છે કે, આ યાત્રામાં અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરીટ સોલંકી, પૂર્વ ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, મેયર કિરીટ પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, યાત્રામાં સોશિયલ ડિસ્ટન્સના નામે મીંડું જોવા મળ્યું હતું. એક તરફ સરકારે ગરબા માટે 400 વ્યક્તિઓનો નિયમ લાગુ કર્યો છે. ત્યારે ભાજપના નેતાઓ યાત્રાઓ યોજી હજારોની ભીડ એકઠી કરે છે એ પણ માસ્ક પહેર્યા વગર. તો આગામી સમયમાં કોરોનાના કેસ વધે તો નવાઈ નહીં.