જામનગરના ખાનગી શાળાના શિક્ષકોએ સરકાર સમક્ષ રાહત પેકેજની માગ કરી - ગુજરાત સરકાર
જામનગરઃ કોરોના સંક્રમણને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અનલોક 1-2 જાહેરાત કરાઇ હતી. જો કે, આ સમયમાં સરકારી તેમજ ખાનગી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છે. બાદમાં ખાનગી શાળામાં ઓનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું અને રાજ્ય સરકારના આદેશ અનુસાર ફરી ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે ખાનગી શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને છેલ્લા ઘણા સમયથી પગાર મળતો ન હોવાની રાવ ઉઠી છે. જેના કારણે આ શિક્ષકોએ આજરોજ મંગળવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજ્ય સરકાર પાસે માગણી કરી છે કે, ખાનગી શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને રાજ્ય સરકારે રાહત આપવી જોઇએ. શિક્ષકોને છેલ્લા ઘણા સમયથી પગાર પણ મળતો ન હોવાના કારણે તેમના પરિવારનું ગુજરાન ચલાવું મુશ્કેલ બન્યું છે.