નવાપુરાનું જલારામબાપાનું મંદિર અતૂટ શ્રધ્ધાનું કેન્દ્ર
આણંદઃ જીટોડીયા ગામના નવાપુર વિસ્તારમાં આવેલ જલારામ બાપાનું મંદિર ભક્તની ભગવાન પરની અતૂટ શ્રધ્ધા નું કેન્દ્ર બન્યું છે. જીટોડીયા ગામના રહેવાસી ગોરધનદાસ ચાવડાએ 11 વર્ષ અગાઉ તેમના ખેતરમાં મંદિરનું નિર્માણ કર્યુ અને સેવા-પૂજા ચાલુ કરી. ખેતરમાં મંદિર હોવાથી શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી. લાઈટ અને પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે મંદિરના વિકાસ અને સેવાયજ્ઞમાં અવરોધ આવતાં. પરંતુ થોડા જ વર્ષોમાં આણંદ શહેરના વ્યાપ વધ્યો, સરકારી કચેરીઓનું નિર્માણ પણ મંદિરની નજીક થયું. જેથી લોકોનો ઘસારો વધ્યો અને સાથે મંદિર પર જનસેવા એ જ પ્રભુસેવાના મંત્રને સાકાર કરવા લાગ્યુ. આજે મંદિરમાં જરૂરિયાતમંદોને મદદ,રાહદારીઓને આશરો મળે છે. નાના-મોટા પ્રસંગો પણ મંદિરના પરિસરમાં ઉજવાય છે. જલારામ જંયતીની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે.