ખેડાના નેશ ગામે વારંવાર વીજળી ડૂલ થતા ગ્રામજનોએ કર્યો હંગામો
ખેડા: જિલ્લાના ઠાસરા તાલુકાના નેશ ગામમાં છેલ્લા બે મહિનાથી વીજળીના ધાંધિયાથી ત્રસ્ત લોકોએ રાત્રે વીજળી ડૂલ થતા mgvclની ગાડીઓ રોકી હંગામો મચાવ્યો હતો. ડાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સંભાળી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. ઠાસરાના નેશ ગામે સબ સ્ટેશન હોવા છતાં દરરોજ વીજળી બંધ થવાને લઈને નાગરિકો ત્રસ્ત બન્યા છે. દરરોજ બપોરે 1 વાગે અને રાત્રે 8 વાગે નિયમિત ડુલ થતી વીજળીથી પરેશાન નેશના ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો. ગ્રામજનોના જણાવ્યાં અનુસાર છેલ્લા બે મહિનાથી રાત્રીના 8 વાગે ડુલ થતી વીજળી રાત્રીના 12 કલાકે આવતી હોઈ મહિલાઓને રાત્રીના ઘરેલુ કામો અને બાળકોના અભ્યાસ ઉપર માઠી અસર પડે છે. જેને લઇ ગ્રામજનોએ કરેલ વારંવારની ફરિયાદો MGVCL નાયબ ઇજનેરે ધ્યાને ન લેતા અને પોલીસ ફરિયાદની ધમકી આપતા મામલો બીચકયો હતો. જો કે મામલો બિચકતા MGVCLના અધિકારી કર્મચારી પલાયન થઇ ગયા હતા. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા ડાકોર પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.