મેઘરાજાની મહેર વચ્ચે ભરૂચ જિલ્લા કક્ષાના આઝાદી પર્વની હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી
ભરૂચઃ ભારતના 74મા આઝાદી પર્વની ઠેર ઠેર હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાના આઝાદી પર્વની શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારી વચ્ચે સાદગી પૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે મેઘરાજાની મહેર વચ્ચે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. આ સાથે જ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા નાગરીકો અને કોરોના વોરિયર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા. આઝાદી પર્વની ઉજવણીના કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, કલેકટર ડો.એમ.ડી.મોડીયા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ તેમજ પદાધિકારીઓ અધિકારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાની મહામારી વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના તમામ નિયમના પાલન સાથે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પ્રધાન ઈશ્વરસિંહ પટેલે તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જિલ્લાવાસીઓને આઝાદી પર્વની શુભકામના પાઠવી હતી.