બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા - બનાસકાંઠા વરસાદના સમાચાર
પાલનપુર: બનાસકાંઠા સહિત રાજસ્થાનમાં રવિવાર વહેલી સવારથી જ ભારે વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લો પાણી પાણી થઇ ગયો છે. જેમાં ડીસા તાલુકાના 4 ગામો પણ ભારે વરસાદના પગલે સંપર્ક વિહોણા બન્યા છે. ડીસા તાલુકાના ફાગુદરા, મોટી રોબોસ અને વીરોણા સહિત 4 ગામમાં જવાના મુખ્ય માર્ગ પર 3થી 4 ફૂટ સુધી પાણીના વહેણ ચાલુ થઈ જતા ગ્રામજનોને અહીંથી પસાર થવું પણ મુશ્કેલીભર્યું બની ગયું છે. કેડ સમા પાણી ભરાતા અહીં વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. જોકે આ મામલે સ્થાનિક ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી છે. 2017માં પણ આ જ પ્રકારે અહીં સ્થિતિ હતી અને વધુ પાણી આવતા ગામમાં પાણી ઘૂસી જવાથી લોકોની જાનમાલને નુકસાન થયું હતું. જેથી સ્થાનિક ગ્રામજનોએ અહીં પુલ બનાવી આપવાની વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતાં પણ હજુ સુધી સરકારે ગ્રામજનોની કોઈ રજૂઆત ધ્યાને લીધી નથી.