વડોદરામાં વાદળ બન્યા સંકટઃ તંત્રના પાપે ગરીબ પરિવારો રસ્તા પર રહેવા મજબૂર
વડોદરાઃ શહેર નજીક આવેલા કલાલી ગામ ખાતેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કાંઠે રહેતા ગરીબ પરિવારો પૂર પ્રકોપને લઈને તંત્રના પાપે માલસામાન લઈ પોતાના નાના બાળકો સહિત જાહેર માર્ગ પર રહેવા મજબૂર બન્યા છે. સમગ્ર રાજ્યમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. જ્યારે વડોદરા શહેરમાં તંત્રના પાપે ગયા વર્ષ જેવી સંકટની પરિસ્થિતિ આ વર્ષે પણ સર્જાય તે વાતને નકારી શકાય તેમ નથી. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ભારે વરસાદમાં નદી કિનારે વસતા ગરીબ પરિવારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વિશ્વામિત્રીની સપાટી વધતા પૂરના સંકટને પગલે વિશ્વામિત્રી નદીના કાંઠે વસતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ શહેર નજીક કલાલી ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદી કિનારે વસતા 15થી વધુ ગરીબ પરિવારો જાતે જ સ્થળાંતર કરી મુખ્ય માર્ગ પર તંબુ બાંધીને રહેવા મજબૂર બન્યા છે. હાલ મોટી મોટી ગુલબાંગો ફૂંકતા વડોદરા મહાનગર પાલિકાના તંત્ર દ્વારા આ ગરીબ પરિવારોને કોઈપણ પ્રકારે મદદ રૂપ કે સહાય ન કરતા ભર ચોમાસે નાના બાળકો સાથે ભૂખ્યા-તરસ્યા જાહેર માર્ગ પર રહેવાની ફરજ સાથે હાલાકીનો સામનો કરી રહ્યા છે.