પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ, 14 જેટલા ગામડાઓ એલર્ટ પર - ડેમના પાટીયા ખોલવામાં આવ્યા
પોરબંદરઃ જિલ્લામાં રવિવાર વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઇ હતી અને આ પગલે પોરબંદર શહેર સહિત કુતિયાણા તાલુકા અને રાણાવાવ તાલુકા સહિત માધવપુર ઘેડ વિસ્તારમાં પણ ઠેર-ઠેર રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા હતા. પોરબંદરના સુદામા ચોક વિસ્તારથી લઇ એમ.જી.રોડ પર અને હરીશ ટોકીજ પાસેના વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. જેના કારણે અનેક લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી થઈ હતી. પોરબંદરમાં સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો તો તારીખ 23 ઓગસ્ટના રોજ સવારથી બપોરે 4 વાગ્યા સુધીમાં પોરબંદર શહેરમાં 3.5 રાણાવાવમાં ઇંચ કુતિયાણામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારે તંત્ર દ્વારા ભાદર 2 ડેમના પાટીયા ખોલવામાં આવતા કુતિયાણા અને પોરબંદર તાલુકાના 14 જેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સહિત પોરબંદર જિલ્લામાં ક્યાંય પણ નીચાણવાળા વિસ્તારોમાં લોકોએ અવરજવર ન કરવા અને ક્યાંય પણ પાણીના લીધે મોટી સમસ્યા સર્જાય તો તાત્કાલિક નજીકના ગ્રામ પંચાયત અથવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સરકારી તંત્રનો સંપર્ક કરવા જણાવ્યું હતું.