જૂનાગઢઃ માંગરોળ અને માળીયા હાટીનામાં ધોધમાર વરસાદ - માંગરોળ અને માળીયા હાટીના વરસાદ
જૂનાગઢઃ માંગરોળ તેમજ માળીયા હાટીના પંથકમાં ગત રાતથી જ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમજ નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ ચુકી છે. ગત રાત્રીએ વરસાદ વરસતાં માંગરોળના બંદરજાપા વિસ્તારમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા. આથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ગીર પંથકના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી માળીયા હાટીના તાલુકાની મેઘલ નદીમાં નવા નીરની આવક થઈ છે. જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. માંગરોળ અને માળીયા હાટીના પંથકના ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. જેથી વાડીઓના રસ્તા ઉપર પણ ગોઠણ ડૂબ પાણી વહેતાં થયા હતા. આ પાણી વોકળામાં જવાથી વોકળાઓ પણ છલકાયા છે. ખાસ કરીને હાલ આ બન્ને પંથકમાં મગફળીનું વાવેતર વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જેથી આ વરસાદ ખેડૂતો માટે કાચા સોના સમાન મનાઇ રહ્યો છે.