માંગરોળમાં ધોધમાર વરસાદ, નદીઓ બની ગાંડીતૂર, અનેક ગામ સંપર્કવિહોણા
જૂનાગઢઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાની બેટિંગ ચાલુ છે, ત્યારે જૂનાગઢના માંગરોળ અને માળીયા હાટીનામાં રવિવારે સવારથી જ ધોધમાર વરસાદ વરસતાં ફરીવાર તમામ નદીઓ ગાંડીતૂર બની હતી. ગીર પંથકના ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં માળીયા હાટીનાની વ્રજમી નદી ગાંડીતૂર બની છે અને આ નદીમાં ઘોડાપૂર આવતાં ઈટાળી નજીક કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતાં. જેને કારણે ઇટાળી વડીયા સહિતના અનેક ગામોનો રસ્તો બંધ થઈ ગયો હતો. માંગરોળના બગસરા ઘેડ ગામમાં પુરનું પાણી લોકોના ઘરો સુધી પહોંચી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. માંગરોળના ઘેડ બગસરા ફુલરામા ઓસા સહિતના ગામો સંપર્ક વિહોણા બની ચુક્યા છે. વળી માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદના કારણે માંગરોળથી કેશોદ હાઇવે ઉપર વલ્લભગઢના પાટીયા પાસે પૂરનું પાણી ફરી વળતાં કેશોદ માંગરોળ હાઇવે બંધ થયો હતો અને પાણીમાં અનેક વાહનો ફસાયા હતાં. તેમજ બે કિલોમીટર કરતાં પણ વધારે સુધીનો ટ્રાફિકજામ સર્જાયો હતો.