ભારે વરસાદના કારણે પોરબંદરના નીંચાણવાળા વિસ્તારના ઘરમાં પાણી ઘૂસ્યા
પોરબંદરઃ છેલ્લા ઘણા દિવસથી હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ભાદર ડેમ ઓવરફ્લો થતા 29 પાટિયા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે પોરબંદરના ઘેડ વિસ્તારમાં આ વર્ષે પાણીની માત્રા એટલી વધુ છે કે, પાણી કર્લી જળાશયને સુધી પાણી પહોંચી ગયું છે અને પોરબંદર શહેરના નીંચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. પોરબંદર શહેરના ખાડી કાંઠા વિસ્તારમાં નરસન ટેકરી, ઘાસ ગોડાઉન પાછળના વિસ્તારમાં અને કડિયા પ્લોટથી માર્કેટિંગ યાર્ડ તરફ જતા ખોડિયાર માતાજી મંદિરના રસ્તા પર કમર સુધીના પાણી ભરાયા છે. આ ઉપરાંત અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે ઘર વખરીને નુકસાન થયું હતું અને લોકોને અગાશી ઉપર રહેવાની ફરજ પડી હતી.