પાટણમાં પાટીદાર કિસાન સેના દ્વારા ઉકાળાનું વિતરણ
પાટણઃ પાટીદાર કિસાન સેના દ્વારા નાગરિકોના આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં રાખી આરોગ્યલક્ષી સેવાકીય પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. શહેરના બગવાડા દરવાજા ખાતે અમૃતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ ઉકાળાનું સેવન કર્યું હતું. પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. દિન-પ્રતિદિન પોઝિટિવ કેસોની સાથે સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં સેવાભાવી સંસ્થાઓ સંગઠનો અને યુવાનો દ્વારા લોક ઉપયોગી સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે. પાટીદાર કિસાન સેના દ્વારા અગાઉ સમગ્ર શહેરમાં સેનેટાઈઝની નિશુલ્ક સેવા પૂરી પાડવામાં આવી હતી. ત્યારે હાલમાં કોરોના સંક્રમણમાં લોકોની રોગ-પ્રતિકારક શક્તિમાં વધારો થાય તે માટે બગવાડા દરવાજા ખાતે લાઈવ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં અરડૂસી, તુલસી, લવિંગ, તજ, મરી સહિતની આયુર્વેદિક ઔષધિઓનો ઉકાળો તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યો હતો.