હાર્દિક પટેલે કરી જાહેરાત, પાક વીમા મુદ્દે કરશે ઉપવાસ આંદોલન
રાજકોટ: પાટીદાર અનામત આંદોલનના નેતા અને હાલમાં કોંગ્રેસી નેતા હાર્દીક પટેલે આજે રાજકોટ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતુ. જે દરમિયાન તેમણે જાહેરાત કરી હતી કે, ચાલુ વર્ષે લીલા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજ્યભરના અને ખાસ સૌરાષ્ટ્રના ખેડુતોના પાકને ભારે નુકશાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાયના નામે માત્ર વાયદાઓ કરવામાં આવી રહ્યા છે. ખરેખરમાં ખેડૂતોની સમસ્યા દૂર થાય તે માટે યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો ન હોય, આગામી દિવસોમાં ખેડૂતોને પાક વીમો વહેલી તકે મળે તેમજ ખેડુતોની સ્થિતિ સુધરે તે માટે સરકાર સામે આંદોલન કરવામાં આવશે. આ સાથે હાર્દિકે જણાવ્યું હતું કે," આગામી દિવસોમાં સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય નહિ લેવાય તો અમે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને ઉપવાસ આંદોલન કરશું." જો કે હાર્દીકની પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસના કોઈ નેતા ન દેખાતા તર્ક વિતર્ક સર્જાયું હતું.