નવસારીના પશ્ચિમ વિસ્તારને અત્યાધુનિક જીમનેશ્યમની ભેટ - Gymnasium gift
નવસારીઃ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી જૂની માર્કેટને તોડીને નવસારી પાલિકા દ્વારા ત્યાં 2.46 કરોડના ખર્ચે નવા શોપિંગ કોમ્પલેક્ષનું નિર્માણ કર્યુ છે. જેના બીજા માળે 1 કરોડ રૂપિયા ખર્ચે કસરતના અત્યાધુનિક સાધનો સાથેના મહાત્મા ગાંધી જીમનેશ્યમને ગુરુવારે નવસારીના પશ્ચિમ વિસ્તારના નાગરિકોને માટે ખુલ્લુ મુકાયું હતું. જેનું લોકાર્પણ નવસારીના ધારાસભ્ય પીયૂષ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પીયૂષ દેસાઈએ દેશમાં કેન્દ્ર સરકારની ગ્રાન્ટ સાથે નવસારી પાલિકાએ પ્રથમ સ્વિમિંગ પૂલનું નિર્માણ કર્યુ હોવાની વાત ગૌરવ સાથે મૂકી હતી. સાથે જ તેમણે આજે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા છે, ત્યારે પાલિકાનું જીમ પશ્ચિમ વિસ્તસરના નાગરિકો માટે ઉપયોગી બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. જ્યારે નવ નિર્મિત કાર્ડિયાક જીમને લઇને પશ્ચિમ વિસ્તારના યુવાને ખાનગી જીમ કરતા અહીં આધુનિક સાધનો અને સસ્તું પણ હોવાથી દરેકને ઉપયોગી થવાની ખુશી વ્યક્ત કરી હતી.