અમદાવાદમાં યુપીની ઘટના અંગે સત્યાગ્રહ કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યો સહિત અનેકની અટકાયત - gangrape of a woman in Hathras
અમદાવાદ : યુપીના હાથરસમાં બનેલી દુષ્કર્મની ઘટનાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે. જેનો કોંગ્રેસ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ધરપકડના વિરોધમાં કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરી ખાતે મૌન સત્યાગ્રહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં કાળી પટ્ટી પહેરીને વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આગામી સમયમાં જ્યાં સુધી પીડિતાને ન્યાય ન મળે ત્યાં સુધી વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. સત્યાગ્રહ માટે કોંગ્રેસ પક્ષ પાસે પરવાનગી ન હોવાને કારણે પોલીસ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળા, ગયાસુદ્દીન શેખ, શહેર પ્રમુખ શશીકાંત પટેલ સહિત અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.તમામ લોકોની અટકાયત બાદ પોલીસ સ્ટેડિયમ લઈ જવામાં આવ્યા હતા.