GRAM PANCHAYAT ELECTION 2021: રાજ્યનાં અન્ન અને પુરવઠા પ્રધાન નરેશ પટેલે મજીગામ ખાતે કર્યું મતદાન - આજે ગ્રામ પંચાયતની ચૂંટણી
નવસારી જિલ્લાની 268 ગ્રામ પંચાયતોમાં આજે વહેલી સવારથી મતદાન થઈ રહ્યું છે, ઉત્સાહ સાથે ગ્રામીણો મતદાનમાં જોડાયા હતા. ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન નરેશ પટેલ આજે ચીખલી તાલુકાના મજીગામ ખાતે મતદાન કરવા માટે પહોચ્યાં હતાં. મતદાન બાદ નરેશ પટેલે લોકશાહીના પર્વમાં સર્વે ગ્રામીણોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. વોર્ડ સભ્યોથી લઈ સરપંચ માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં મતદારોમાં ઉત્સાહ અને ઉમેદવારોમાં પણ ખેલદિલી જોવા મળી રહી છે. જેથી સાંજ સુધી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થાય એવી આશા પણ સેવી હતી. જિલ્લાના 6 તાલુકામાંથી નવસારી અને જલાલપોર તાલુકામાં 16-16 ગામો સમરસ થયા છે. પરંતુ કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પોતાના મત વિસ્તારના ગામોને સમરસ કરાવવામાં નિષ્ફળ રહ્યા છે. ગણદેવી તાલુકામાં 2 અને ચીખલી તાલુકામાં ફક્ત એક જ ગ્રામ પંચાયત સમરસ થઇ હતી. જ્યારે તાલુકાની 62 ગ્રામ પંચાયતોમાં આજે ચૂંટણી યોજાઈ રહી છે.