ડીસામાં ગૌશાળા સંચાલકોએ રામધૂન બોલાવી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું - ગૌશાળા સંચાલકોએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો
બનાસકાંઠા: કોરોના મહામારીના સમયમાં દાનની આવક ઘટી જતા બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ગૌશાળા અને પાંજરાપોળની સ્થિતિ કથળી છે. જે માટે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ અત્યાર સુધી અનેકવાર સરકારમાં રજૂઆત કરી સહાયની માગણી કરી હતી, પરંતુ હજૂ સુધી સરકારે કોઈ પ્રકારની કાર્યવાહી નહીં કરતા મંગળવારે બનાસકાંઠામાં ગૌશાળા અને પાંજરાપોળ માંથી પશુઓ છોડી દેવામાં આવ્યાં હતા. જેને ધ્યાનમાં રાખી જિલ્લાની તમામ ગૌશાળા અને પાંજરાપોળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી સહાય આંદોલન અંતર્ગત બુધવારે આ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ ડીસાની નાયબ કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવી અનોખો વિરોધ દર્શાવ્યો છે. આ સાથે જ બનાસકાંઠા જિલ્લાના 154 ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સરકાર મૂંગા પશુઓ માટે સહાય આપે તેવી રજૂઆત કરી હતી.