વાપીમાં ડીજે અને નાસિક ઢોલના સંગાથે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાયું - vapi news today
વાપીઃ ગુરુવારે વલસાડ સહિત વાપીમાં અને સંઘપ્રદેશોમાં ગણેશોત્સવના અંતિમ દિવસ એવા આનંદ ચૌદશના ગણેશોત્સવની પૂજા અર્ચના સાથેના ભક્તિસભર માહોલ વચ્ચે ગણપતિ પ્રતિમાઓની વિવિધ નદીઓ અને દમણગંગા ઉમરગામના દરિયામાં કડક સુરક્ષા વ્યવસ્થા સાથે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાપીમાં નાસીક ઢોલના ધબકારે અને ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં જનસૈલાબ ઉમટ્યાના દ્રશ્યો સર્જાયા હતા. ગુરુવારે આનંદ ચૌદસના ગણેશ મહોત્સવને દસ દિવસ પૂરા થતાં હોવાથી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે ભવ્ય વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. વાપી ઉમરગામ તથા આજુબાજુના વિસ્તારમાં પાંચ હજારથી વધુ નાની મોટી શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી. તમામ મંડળોના યુવાનો એક જ પ્રકારના રંગીન પોશાકમાં સજ્જ થઈ વિસર્જન યાત્રામાં જોડાયા હતા. જેમાં કેસરી ધજા અને કપાળે ચંદન, કુમકુમના તિલક, માથે કેસરી સાફામાં સજ્જ યુવાનોએ આકર્ષણ જમાવ્યું હતું. આ દરમિયાન શહેરમાં ટ્રાફિક ન થાય તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાંજે દમણગંગા નદી, દમણના દરિયા કિનારે ભારે ભીડ ઉમટી પડી હતી, અને મોડી રાત સુધી બાપાનું વિસર્જન ચાલ્યું હતું.
Last Updated : Sep 13, 2019, 3:48 AM IST