ડાકોરના ઠાકોરજી ગજરાજ પર સવાર થઈ નગરમાં હોળી રમવા નીકળ્યા, જુઓ વીડિયો - યાત્રાધામ ડાકોર
ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનું વિશેષ મહત્ત્વ છે. જ્યાં પાચ દિવસીય હોળી મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. અગિયારસના રોજ ભગવાન શ્રી રણછોડરાયજી ગજરાજ પર સવાર થઈ અબીલ ગુલાબની છોળો સાથે હોળી રમતા નગર ભ્રમણ પર નીકળ્યા હતાં. યાત્રાધામ ડાકોરમાં ધામધૂમથી નિજમંદિરથી નીકળી ગજરાજ પર સવાર થઈ રાજાધિરાજ રણછોડરાયજી મહારાજ હોળી રમવા નગરમાં નીકળ્યા હતાં. વાજતે-ગાજતે નીકળેલી ભગવાનની સવારી અબીલગુલાલની છોળો ઉડાડતી નગરમાં નિયત માર્ગ પર ફરી હતી. આ સાથે મોટી સંખ્યામાં અબીલ-ગુલાલની છોળો ઉડાડતા ભાવિકો જોડાયા હતા. ભગવાન શ્રી રણછોડરાયજીની સાથે સમગ્ર નગર હોળીના રંગે રંગાયું હતું. વિવિધ સ્થળોએ સવારીને શ્રદ્ધાપૂર્વક આવકારી ભગવાનનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ભગવાનને હોળી રમતા નિહાળી તેમજ ભગવાન સાથે હોળી રમી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.