ભાદર ડેમના 5 દરવાજા ખોલવાથી ભાદર નદીમાં ઘોડાપૂર, રસ્તાઓ 5 કલાક બંધ - ભાદર નદી
પોરબંદરઃ જિલ્લામાં ગત 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે વરસાદના કારણે આસપાસના ઘેડ પંથક અને બરડા પંથકમાં પણ વરસાદે માઝા મૂકી છે. ઉપરવાસમાં વધુ વરસાદના કારણે ભાદર ડેમના 5 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવતા ભાદર નદીમાં રવિવારે રાત્રે 11 કલાકે પાણીના પ્રવાહમાં વધારો થયો હતો અને આ પાણી કુતિયાણાના ઘેડ પંથકના રસ્તા પર આવેલા પુલ ઉપર ફરી વળતા પસવારી, સેગરસ, છત્રાવા, મહિયારી સહિત 10 ગામને જોડતો રસ્તો બંધ થયો હતો. ખેડૂતોના જણાવ્યા અનુસાર સવારે 4:00 વાગ્યા સુધી પાણીનો પ્રવાહ વધતો ગયો હતો. આમ 4થી 5 કલાક સુધી રસ્તા પર પાણી ભરાયા હતા અને વાહનોની અવર-જવરમાં મુશ્કેલી સર્જાઇ હતી. આ ઉપરાંત કુતિયાણાથી ખાગેશ્રી જતા રસ્તા પર કાનાકુવા પાસે પાણી ભરાઈ જતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.