ઝેરી કેમિકલ નાંખી માછીમારી કરવામાં થયો વધારો, ખેરગામની ખાડીમાં ઝેરી માછીમારીનો 'ખેલ' - વાડગામાં ઝેરી કેમિકલ નાંખી માછલાં પકડવાની પ્રવૃત્તિમાં થયો વધારો
નવસારી: દક્ષિણ ગુજરાતમાં નદીઓ કે ખાડીઓમાં ઝેરી કેમિકલ નાંખી માછલાં પકડવાની પ્રવૃત્તિમાં વધારો થઈ રહ્યો છે. અગાઉ ગણદેવીમાં આવેલી વેંગણિયા નદીમાં ઝેરી કેમિકલને કારણે હજારો માછલીઓનાં મોત થયાં હતાં. આવી જ ઘટના ખેરગામ તાલુકાના વાડ ગામના ભવાની ફળિયા ખાતેથી પસાર થતી વાડ ખાડીમાં સામે આવી છે. જેમાં અજાણ્યા ઈસમોએ માછલીઓ પકડવા માટે ઝેરી કેમિકલ નાંખતા અસંખ્ય માછલીઓના મોત થયાં હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનો ખાડી કિનારે ટોળે વળ્યા હતા અને આસપાસનાં ફળિયામાંથી ખાડીમાં નાહવા જતાં બાળકોને પણ ખાડીમાં ન જવાની સૂચના આપી હતી. સાથે તેમનાં માતા-પિતાને પણ આ બાબતે અવગત કર્યાં હતા. ખાડીમાં ઝેરી કેમિકલ નાંખવાની ઘટનાને પગલે ગ્રામજનોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. કારણ કે, ખાડીમાં ઝેરી દવા ઠાલવવાને કારણે ખાડીના પાણી પર નિર્ભર રહેતાં પશુ-પંખીને પણ અસર થશે. જેથી તંત્ર ઘટનાની ગંભીર નોંધ લઈ ઝેરી દવા નાંખનારા સામે કડક કાર્યવાહી કરે એવી ગ્રામીણોમાં માગ ઉઠવા પામી હતી.