હળવદ તાલુકાના ચાર ગામના ખેડૂતોએ પાક વીમા બાબતે આવેદન પાઠવ્યું - Universal Samp General Insurance Company Limited
મોરબીઃ જિલ્લામાં ચોમાસાની સીઝન દરમિયાન અતિભારે વરસાદ અને માવઠાના કારણે ખેતીના પાકને ભારે નુકસાની પહોચી છે. જેથી ખેડૂતો નુકસાનીનું વળતર સરકાર પાસે માગી રહ્યા છે પરંતુ રવિપાક વાવણીની સીઝન આવી છતાં એક પણ જાતનું વળતરનાં ચુકવાતા હળવદના ચાર ગામના ખેડૂતોએ મામલતદારને આવેદન પાઠવ્યું છે. આવેદનમાં જણાવ્યું છે કે, હળવદ તાલુકામાં પાકને નુકશાન થયું છે. જેનો પાકવીમો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત હળવદ તાલુકાના તમામ ખેડૂત ખાતેદારોને આવરી લેવા માટે યુનિવર્સલ સેમ્પ જનરલ ઈન્સ્યોરન્સ કંપની લીમીટેડને ગુજરાત સરકાર દ્વારા જવાબદારી સોપવામાં આવી છે અને ચારેય ગામના ખેડૂતોએ વીમા પ્રીમીયમ ભરીને વીમો લીધેલ છે. આ પાક વીમા બાબતે વીમા કંપનીના ટોલ ફ્રી નંબર પર કોલ કરવાનો હોય જે પરંતુ ૨ થી ૩ દિવસ સુધી ફોન ન લાગવાથી ખેડૂતો નિરાશ થયા હતા અને વીમા કંપની દ્વારા અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. બાદમાં વીમા કંપની દ્વારા સમય મર્યાદામાં અરજી ન પહોચાડવા બાબતે નોટીસ પણ આપવામાં આવી હતી. તેમજ ખેડૂતોને રવિપાકની સીઝન આવી ગઈ હોવા છતાં પણ એક પણ રૂપિયાનું વળતર મળ્યું નથી. જેથી ચાર ગામના ખેડૂતોએ એકઠા થઈને હળવદ મામલતદારને આવેદન પાઠવ્યું હતું અને વહેલી તકે ખેડૂતોને વચગાળાનું વળતર આપવા માટે રજૂઆત કરી હતી અને વહેલી તકે વળતર આપવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.