રાજકોટના પ્રદ્યુમ્ન પાર્કમાં CCTVમાં દીપડાને બદલે દેખાયા શ્વાન - ઝુ
રાજકોટ : જિલ્લાના પ્રદ્યુમ્ન પાર્ક ઝુમાં રવિવારે દીપડો ઘૂસ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેને લઈને છેલ્લા બે દિવસથી મનપા અને વન વિભાગની ટિમ દ્વારા ઝુમાં સત્તત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ ગઈકાલે ઝુમાં રહેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા બે શ્વાન ઝુમાં ખુલ્લેઆમ રખડતા હોવાનું દેખાઇ રહ્યું છે. જ્યારે વન વિભાગને હજુ પણ અહીં દીપડો હોવાના કોઈ નક્કર પુરાવા પણ મળ્યા નથી. જેને લઈને મનપા તંત્ર અને વન વિભાગ પણ હાલ મુશ્કેલીમાં મુકાયું છે. જો કે આ મામલે મનપા તંત્ર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરાઇ નથી. ઉલ્લેખનીય છે કે દીપડો ઘુસી આવવાના પગલે છેલ્લા બે દિવસથી ઝુ સહેલાણીઓ માટે પણ બંધ રાખવામાં આવ્યું છે.