1000 કિલો પસ્તી ભેગી કરી ભેગા થયેલા ફંડમાંથી જરૂરિયાત મંદોને દિવાળી પર આપવામાં આવશે સ્માઈલ કીટ - દિવાળી
સુરતઃ દિવાળીના તહેવાર નિમિતે જરૂરીયાતમંદ લોકો માટે સોશિયલ આર્મી ગ્રુપ આગળ આવ્યું છે. જેમાં ગ્રુપના યુવાનો દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં જઈ શ્રમજીવી અને જરૂરીયાતમંદ લોકોને સ્માઈલ કીટ આપવામાં આવી રહી છે. જેમાં ફુડ, સ્ટેશનરી, મિઠાઈ જેવી વસ્તુઓ આપવામાં આવે છે. આ વર્ષે ગ્રુપ દ્વારા 1000 સ્માઈલ કીટ તૈયાર કરાઈ છે અને શહેરના વરાછા, પૂણા, પરવત પાટીયા, ઉધના, સલાબતપુરા જેવા વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને સ્માઈલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે શહેરના લોકો પાસેથી 1000 કીલો પસ્તી ભેગી કરી એકઠા થયેલા ફંડમાંથી સ્માઈલ કીટ તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે 4 તારીખથી ગ્રુપના યુવાનો દ્વારા પેકિંગથી માંડીને વિતરણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જે અલગ અલગ સ્થળ પર જરૂરિયાત ધરાવતા શ્રમિકો તથા જીવનજ્યોત મંદબુદ્ધિ આશ્રમ, રસ્તા પર રહેતા નિરાધાર લોકો, યુવા જાગૃતિ એજ્યુકેશન સંસ્થા હેઠળ શિક્ષણ લઈ રહેલા બાળકોને, જનનિધામ આશ્રમ આંબોલી, તથા સુરત સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટરમાં એક કોરોના વોરિયર તરીકે પોતાની ફરજ નિભાવનારા સિક્યુરિટી ગાર્ડ ભાઈ બહેનોને એક સન્માન અને આભાર રૂપી સ્માઇલ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.