ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે મહમદપુરા APMCમાં ગંદકી
ભરૂચ: રાજ્યમાં આ વર્ષે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે મહમદપુરા એ.પી.એમ.સીમાં ગંદકી જોવા મળી હતી. વરસાદી પાણી ભરાઈ રહેવાથી વેપારીઓને નુકસાન થઇ રહ્યું છે. આ સમસ્યાના કાયમી નિરાકરણની વેપારીઓ માગ કરી રહ્યાં છે. ભરૂચમાં ભારે વરસાદના કારણે એ.પી.એમ.સીમાં દુકાન નજીક પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વેપારીઓના માલ સામાનને નુકસાન થયું હતું. વરસાદી માહોલ વચ્ચે બગડી ગયેલા શાકભાજીનો જથ્થો ખુલ્લામાં જ પડી રહેતા વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવે છે. વેપારીઓનો આક્ષેપ છે કે, તંત્ર દ્વારા એ.પી.એમ.સીમાં વેપારીઓને કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી. સાફ સફાઈ પણ ન કરાતા એ.પી.એમ.સીમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.