બનાસકાંઠા: ધાનેરા નગરપાલિકાની બીજા ટર્મની ચૂંટણીનું કાઉનડાઉન શરૂ - ધાનેરા ન્યૂઝ
બનાસકાંઠા: કોંગ્રેસ શાસિત ધાનેરા નગરપાલિકાની બીજા ટર્મની ચૂંટણી આગામી 20 ઓગસ્ટના રોજ નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાવાની છે. જેને લઈને ધાનેરામાં અત્યારથી જ રાજકીય ગરમાગરમી જોવા મળી રહી છે. ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસના કુલ 17 સભ્યો છે, જ્યારે ભાજપના 11 સભ્યો છે. કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં અત્યારે યુસુફખાન બેલીમ પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે અને બીજા ટર્મ માટે પ્રમુખ માટે મહિલા બેઠક અને ઉપપ્રમુખની પુરુષ બેઠક માટેની ચૂંટણી યોજાવાની છે. જો કે, બીજી ટર્મ માટેની ચૂંટણીમાં ભાજપ કોઈ કાવાદાવા અને સત્તા છીનવવાના પ્રયાસ ન કરે, તે માટે કોંગ્રેસે પોતાના તમામ સભ્યોને અત્યારથી સહેલગાહે મોકલી દીધા છે.