કોરોનાને કારણે થોડા દિવસ અંબાજી મંદિર અને મેળો રહેશે બંધ: ભક્તોએ દર્શન કરવા વહેલી વાટ પકડી
અંબાજીઃ યાત્રાધામમાં ભરાતા ભાદરવી પુનમના મેળાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોરોનાના સંક્રમણને કારણે આ વખતે મેળો રદ કરવામાં આવ્યો છે. આ મેળામાં લાખો પદયાત્રીઓ ધજા પતાકાઓ લઈ અંબાજી પગપાળા આવતા હોય છે. પણ આ વખતે ભાદરવી પુનમનો મેળો અને મંદિર બંને બંધ હોવાથી નિયમિત પણે અંબાજી આવતા ભક્તોએ અંબાજીની વહેલી વાટ પકડી છે, અને પોતાની ટેક પુરી કરવા અમદાવાદથી નીકળતો વ્યાસવાડી પગપાળાનો આખો સંઘ નહીં પણ સંઘના અગ્રણીઓ માતાજીની ધજા લઈ સોમવારે અંબાજી પહોંચી માતાજીને ધજા પણ અર્પણ કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે આ વખતે કોરોનાની મહામારીને લઈ અમે પણ સામુહિક પદયાત્રા મોકૂફ રાખી છે અને ભાદરવી પૂનમનો મેળો પણ બંધ છે. જ્યારે પદયાત્રીઓને મંદિર બંધ હોવાથી દર્શન નહીં થઇ શકે જેને લઈને 200 પદયાત્રીઓ વતી આજે અમે સાત યાત્રીકો પગપાળા અંબાજી પહોંચી માતાજીને શ્રાવણ મહિનામાંજ ધજા અર્પણ કરી કોરોનાની મહામારીમાંથી સૌને મુક્ત કરવા પ્રાર્થના કરી છે.