કચ્છમાં માઁ આશાપુરાના મંદિરમાં પ્રથમ નોરતે માનવ મહેરામણ ઉમટ્યુ
કચ્છઃ અમાસના દિવસે માઁ આશાપુરાના મંદિરમાં જાગીર અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે ઘટ સ્થાપન સાથે નવલા નોરતાનો પ્રારંભ થયો હતો. આજે સવારથી જ લાખો પદયાત્રાળુઓ અને ભાવિકો મંદિરમાં માઁ ના દર્શને પહોંચ્યા હતાં. જેને પગલે માતાના મઢમાં માનવમહેરામણ ઉભરાયો હતો. ત્યારે, યાત્રાળુઓની સેવા કરતા કેમ્પોમાં અનેક મુશ્કેલીઓ છતાં ભાવિકોની સેવા અવિરત કરવામાં આવી રહી છે. કચ્છની ધણિયાણી કુળદેવી આશાપુરા માતાજી પ્રત્યે અપાર ભક્તિ, અખૂટ વિશ્વાસ, શ્રદ્ધા અને આસ્થા સાથે વિપરિત વાતાવરણની પરવા કર્યા વગર પદયાત્રીઓ માતાના જયઘોષ સાથે માતાના મઢ તરફ ડગ માંડી રહ્યા છે. ભારે વરસતા વરસાદ વચ્ચે હિંમત-હૌંસલા સાથે પદયાત્રીઓ માથે છત્રી, રેઈનકોટ, પ્લાસ્ટિકની સીટ તેમજ યુવાનો-યુવતીઓ, અબાલ-વૃદ્ધો પલળતા પોતાની યાત્રાનો પંથ ભારે આનંદ અને ઉમંગ-ઉલ્લાસથી કાપી રહ્યાં છે.