મહેમદાવાદમાં પોલીસ અને ટોળા વચ્ચે ઝપાઝપી, 8 લોકો સામે ગુનો દાખલ - Kheda Police
ખેડાઃ જિલ્લાના મહેમદાવાદમાં હોબાળો મચાવી સ્થાનિકોના ટોળા દ્વારા પોલીસ સાથે ઝપાઝપી કરવામાં આવી હતી. જે મામલામાં પોલિસ દ્વારા 8 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી તમામને ઝડપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેમદાવાદમાં સરદાર નગરની બાજુમાં આવેલી સર્વે નંબર 492 ની જમીનમાં જમીન માલિકો દ્વારા આરસીસી બ્લોકની દિવાલ બનાવવાની કામગીરી ચાલી રહી હતી. જેમાં વિવાદ થવાની શક્યતાને લઈને જમીન માલિકો દ્વારા પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો હતો. જે બાદ નજીકના છાપરામાંથી સ્થાનિક રહીશોનું ટોળું દોડી આવ્યું હતું. જમીન માલિક સાથે અમને પૈસા નહીં આપો તો દિવાલનું કામ નહીં કરવા દઈએ કહી અપશબ્દો બોલી તકરાર કરવા લાગ્યા હતા. જેથી બંદોબસ્તમાં ગયેલી પોલીસ દ્વારા ટોળાને વિખેરવા હરકતમાં આવતાં ઉશ્કેરાયેલા ટોળાએ પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓને અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી. જે મામલામાં પોલીસ દ્વારા હુમલો કરનારા 8 આરોપીઓ સામે ગુનો નોંધી તમામની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.