ભરૂચ નજીક હાઇવે પર કેબલ બ્રીજ પાસેથી વિદેશી દારૂ ભરેલા 2 ટ્રક ઝડપાયા - ક્રાઇમ ન્યૂઝ
ભરૂચઃ ક્રાઈમ બ્રાન્ચે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર કેબલ બ્રિજના ટોલ પ્લાઝા નજીકથી વિદેશી દારૂ ભરેલા 2 ટ્રક ઝડપી પાડ્યા હતા અને 4 આરોપીઓની ધરપકડ કરી હતી. ભરૂચ ક્રાઈમ બ્રાન્ચના સુત્રોને બાતમી મળી હતી કે, નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂની મોટાપાયે હેરાફેરી થનાર છે, જેના આધારે પોલીસની ટીમે ભરૂચના મુલદ નજીક આવેલા કેબલ બ્રિજના ટોલ પ્લાઝા પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ 2 ટ્રક આવતા પોલીસે તેને રોકી તપાસ હાથ ધરી હતી. જેમાં ટ્રક અંદર પાઈપ નીચે સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 2 ટ્રકમાં રૂપિયા 28 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીની ધરપડક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.