જામનગરમાં નગરસેવીકાએ ડોક્ટરને માર માર્યાની ઘટનામાં કોંગ્રેસે SPને આપ્યું આવેદનપત્ર - Congress news
જામનગર: શહેરમાં હાલ ડેન્ગ્યુના રોગચાળાએ માજા મુકી છે ત્યારે રાજ્ય સરકાર સહિત જિલ્લાનું આરોગ્ય તંત્ર ઊંધે માથે થઈ ધંધે લાગ્યું છે. હાલમાં શહેર તેમજ જિલ્લા વિસ્તારમાં આરોગ્ય તંત્રની ટીમ દ્વારા ફોગીંગ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એવામાં જામનગર કોર્પોરેશનના મેડિકલ ઓફિસર મનોજભાઈ નકુમે કોર્પોરેટર જૈનબ બેન ખફી દ્વારા તેમને ફડાકો ઝીંક્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. પોલીસે મહિલા નગરસેવિકા સહિત એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણ ફરજમાં રૂકાવટ તેમજ માર માર્યાની ફરિયાદ નોંધી હતી. જે અન્વયે મહાનગરપાલિકાના વિપક્ષના નેતા સહિતના કોર્પોરેટર તેમજ કોંગી આગેવાનો દ્વારા શુક્રવારના રોજ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી તટસ્થ તપાસ થાય તેવી માગણી કરી હતી.