વડનગરના પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિર પ્રથમ શ્રાવણ સોમવારે ધ્વજા રોહણ કરાયું
મહેસાણાઃ ભારતએ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે જેમાં આજે પણ ધાર્મિક પર્વોનું પૌરાણિક મહત્વ અને ધર્મ પ્રતિ આદર રહેલો છે ત્યારે હાલમાં હિન્દુ ધર્મના પવિત્ર માસ એવા શ્રાવણ માસમાં શિવ આરાધના અને શિવ દર્શનનું આગવું જ મહત્વ રહેલું છે ત્યારે આવું જ એક વિશેષ મહત્વ ધરાવતા શિવાલયની દાદા હાટકેશ્વર મહાદેવ મંદિરે નગરજનો દ્વારા 51 ગજની ધ્વજા સાથે નગર યાત્રા કરી મંદિરના શિખરે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લાના વડનગર ખાતે સુવર્ણના આધિપતિ એવા દાદા હાટકેશ્વર મહાદેવનું વર્ષો જુનુ શિવમંદિર આવેલું છે કહેવાય છે કે આ મંદિર અંદાજે 2000 વર્ષ પુરાણું છે અને જ્યાં સ્વયંભૂ પ્રગટ થયેલા દાદા હાટકેશ્વર બિરાજમાન છે ત્યારે આ પૌરાણિક નગરી વડનગરમાં શ્રાવણ માસમાં હાટકેશ્વર દાદાના પ્રથમ શ્રાવણીયા સોમવારની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નગર જનો દ્વારા 51 ગજની ધ્વજા સાથે નગર યાત્રા કરી મંદિરના શિખરે ધ્વજા રોહણ કરવામાં આવ્યું હતું તો અહીં દૂર-દૂર થી આવતા દર્શનાર્થીઓ દ્વારા શંભુને પ્રિય બીલીપત્ર અને કમળના પુષ્પ અર્પણ કરી જળ અને દૂધનો અભિષેક કરી શિવપૂજા કરવામાં આવી રહી છે. આમ વડનગર ખાતે પૌરાણિક હાટકેશ્વર મહાદેવ દાદાના દર્શને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી રહ્યા છે અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.