CAA સમર્થનઃ આવા આલ્યા-માલ્યા-જમાલ્યા તો બોલ્યા કરેઃ CM રૂપાણી
રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં આજે CAAના સમર્થનમાં ભવ્ય તિરંગાયાત્રા યોજાઇ હતી. આ તિરંગાયાત્રાને સીએમ વિજય રૂપાણી દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતેથી ફ્લેગ ઓફ કરાવવામાં આવ્યું હતું. જે ગાંધી મ્યુઝિયમ જ્યુબિલિ બાગ ખાતે પુર્ણ થઈ હતી. તિરંગાયાત્રામાં 2 કિલોમીટર લાંબો અને 10 ફૂટ પહોળો રાષ્ટ્રધ્વજ આકર્ષકનું કેન્દ્ર બન્યો હતો. રાજકોટમાં CAAના સમર્થનમાં યોજાયેલ તિરંગાયાત્રામાં વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ સાથે રાજકોટ જિલ્લાની અલગ અલગ સામાજિક સંસ્થાઓ અને વિવિધ સંપ્રદાયના મહંતો સંતો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કેબિનેટપ્રધાન ભુપેન્દ્રસિંહ, કુંવરજી બાવડીયા અને જયેશ રાદડિયા પણ તિરંગાયાત્રા દરમિયાન હાજર રહ્યા હતા. વિજય રૂપાણીએ CAAના સમર્થનમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજ, જૈન સમાજ, હિન્દુ સમાજ બધા જ સમાજોના આગેવાનો અને ધર્મગુરૂઓ આજે CAAના સમર્થનમાં બહાર આવ્યા છે. નરેન્દ્રભાઇ અને અમિતભાઇએ ઐતિહાસિકભર્યો નિર્ણય કર્યો છે તેનું આ સમર્થન છે. ગુજરાતમાં અલગ અલગ મહાનગરોમાં દરેક જગ્યાએ આ રેલી નીકળી રહી છે. જનસમર્થન ગુજરાતમાંથી આજે CAAને વ્યાપક પ્રમાણમાં મળી રહ્યું છે. કોંગ્રેસ મુસ્લિમોને ગુમરાહ કરી રહી છે. CAAથી અન્ય દેશમાંથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા આપવાની છે કોઇની નાગરિકતા છીનવવાની નથી. આથી દેશમાં રહેતા લોકોએ ડરવાની જરૂર નથી. કોંગ્રેસ CAAને લઇને દેશમાં રહેતા લોકોને ગેરમાર્ગે લઇ જઇ રહી છે. રૂપાણીએ અલ્યા, માલ્યા જમાલ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
Last Updated : Feb 13, 2020, 1:25 PM IST