રાજકોટમાં ત્રણ હત્યાના આરોપી સ્ટોન કિલરનો મૃતદેહ મળી આવતા ચકચાર - મૃતદેહ મળી આવ્યો
રાજકોટ: શહેરના મવડી વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝ એરિયાના એક કારખાનની અગાસી પરથી માથું છૂંદાયેલી હાલતમાં મહેશ ઉર્ફે કાળુ ઉર્ફે હરેશ મગન પ્રજાપતિ નામના વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો છે. રાજકોટ શહેરની માલવીયા પોલીસ ચોકી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક હરેશે અગાઉ રાજકોટમાં વર્ષ 2009માં ત્રણ જેટલા ભિક્ષુકોની પથ્થરના ઘા મારીને હત્યા કરી હતી. જેના કારણે તેને સ્ટોન કિલર તરીકે પણ ઓળખવામાં આવતો હતો. મૃતદેહ મામલે પોલીસને અજાણ્યા ઈસમ દ્વારા કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરવામાં આવી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલ્યો હતો. જે બાદ મામલાની સમગ્ર વિગતો બહાર આવી શકે છે.