અંબાજીમાં કેન્દ્રિય ગૃહપ્રધાનના જન્મદિવસ નિમિત્તે મહાઆરતી, વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ ચતુર્થાંશ બેઠક જીતવાનો ભાજપનો સંકલ્પ - કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના જન્મદિવસની ઉજવણી
કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહનો શુક્રવારે 58મો જન્મદિવસ હતો. ત્યારે તેમના દિર્ઘાયુષ્ય માટે અંબાજીમાં ભાજપના નેતાઓએ આરતી અને પ્રાર્થના કરી હતી. અહીં અંબાજી મંદિરના ચાચર ચોકમાં કેબિનેટ પ્રધાન પ્રદિપ પરમાર, રાજ્યના પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માતાજીની મહાઆરતી ઉતારી હતી. અહીં 251 દિવડા સાથે માતાજીની આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના જન્મદિવસ નિમિત્તે 58 કિલો સુકા મેવાનો પ્રસાદ પણ માતાજીને અર્પણ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અંબાજીમાં અમદાવાદ, ગાંધીનગર જિલ્લાના કાર્યકર્તાઓ માટે પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અંબાજી પહોંચ્યા છે. તેવામાં કેન્દ્રિય ગૃહપ્રધાનના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ અહીં પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ ચતુર્થાંશ બેઠક પર કબજો કરશે.