ભરૂચ નગર સેવાસદને આખરે શહેરના બિસ્માર માર્ગોના સમારકામની કામગીરી શરૂ કરી!
ભરૂચઃ નગર સેવાસદન દ્વારા આખરે શહેરના વિવિધ બિસ્માર માર્ગોના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે, હલકી ગુણવત્તાની કામગીરી થતી હોવાના વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યાં છે. ભરૂચમાં વરસાદમાં માર્ગોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ હતી. વરસાદમાં માર્ગો ઉપર પાણી ભરાઈ રહેવાના કારણે મોટા ભાગના માર્ગો ઉપર મસમોટા ખાડાઓ પડી ગયાં હતાં. નગરપાલિકા દ્વારા ખાડાઓ પૂરી મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકાને રૂપિયા 1.20 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આમ છતાં માર્ગના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી ન હતી. હવે કામગીરી શરૂ તો થઇ છે પરંતુ કામગીરીમાં ગુણવત્તા નથી. જે બાબતે વિપક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને ભૃગુઋષિ ઓવરબ્રિજની બન્ને તરફ રૂપિયા 32 લાખના ખર્ચે આરસીસીનો માર્ગ બનાવવાનું આયોજન હોવા છતાં હાલમાં હલકી કક્ષાનો ડામર પાથરી કામગીરી કરવામાં આવી રહી છે.