પાટણમાં ભૈરવ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ - કાળ ભૈરવ મંદિર પાટણ
પાટણ: શહેરમાં ભૈરવ જયંતિની હર્ષોલ્લાસ સાથે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કાળ ભૈરવ મંદિર ખાતે સવારથીજ શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. પાટણ શહેર કોઠાકુઈ દરવાજા બહાર રાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં સ્થાપિત કરેલ કાળ ભૈરવનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક બન્યું છે.ભૈરવ જયંતિ નિમિત્તે મંદિર પરિસરમા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૈરવ દાદા સન્મુખ ફૂલોની આંગી કરી સમગ્ર મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. સવારથી જ શ્રદ્ધાળુઓનો દર્શન માટે મંદિરે ઘસારો જોવા મળ્યો હતો. મંદિર પરિસર ખાતેથી પરંપરાગત રીતે ભૈરવ દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી નિજ મંદિરે પરત ફરી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. મંદિરના આયોજકો દ્વારા દાદા સમક્ષ છપન્ન ભોગના અન્નકૂટ ગોઠવવામાં આવ્યા હતા. આમ પાટણ મા ભક્તિમય માહોલમાં ભૈરવ જયંતિની ઉજવણી કરાઈ હતી.